સંસ્કૃતભારતી સંસ્થાના સહસંસ્થાપક તેમજ પ્રાંતીય ભાષા સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, “ભદ્રેશદાસ સ્વામીને આ પુરસ્કાર આપવાથી ICPRનું મહત્ત્વ વધ્યું છે, પુરસ્કારનું મહત્ત્વ વધ્યું છે. આપણને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને તેમના સમયમાં આપણી પણ ઉપસ્થિતિ છે એ આપણું મોટું ભાગ્ય છે.”
ICPR ના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ સન્માનનો હેતુ જણાવતાં કહ્યું, “આ પુરસ્કાર આપણી સામે એક આદર્શ ઉપસ્થિત કરવા માટે દેવામાં આવે છે.” ત્યારબાદ તેમણે આ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડના સન્માનપત્રનું વાંચન કરતાં કહ્યું, “આપને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા એ ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ અને સમગ્ર દાર્શનિક જગત માટે એક ગૌરવનો વિષય છે…જો કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આપના મહાન કાર્યને કોઈ જ ઓળખની જરૂર નથી, પરંતુ ભારતીય દર્શનને વધુ સમૃદ્ધ કરનાર આપની નિઃસ્વાર્થ આજીવન સેવાને સન્માનિત કરવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે…અમારા સમયના જીવંત ભાષ્યકાર મહાનાચાર્યને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પ્રદાન કરી ICPR ગર્વ અનુભવે છે…” વાંચન બાદ ICPRના ચેરમેન પ્રૉ. આર. સી. સિન્હા તેમજ ICPRના મેમ્બર સેક્રેટરી પ્રો. સચ્ચિદાનંદ મિશ્રાએ આ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર (લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ) મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને એનાયત કર્યો, જે ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ મહારાજના ચરણે સમર્પિત કર્યો. ઉપસ્થિત સૌ સભાજનોએ પણ ઊભા થઈ standing ovation દ્વારા ભદ્રેશદાસ સ્વામીનું બહુમાન કર્યું અને તાળીઓના ગડગડાટ સાથે આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી.
ત્યારબાદ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે તેઓ તો એક અબુધ તોફાની બાળક હતા જેમને અભ્યાસમાં કોઇ રુચિ ન હતી. પરંતુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે તેમને પ્રેમથી સ્વીકાર્યા, પોતાના ખોળામાં બેસાડીને સુધાર્યા અને અભ્યાસમાં પ્રેરિત કર્યા. ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું, સંભાળ રાખી, શ્રદ્ધાપૂર્વક શાસ્ત્ર અભ્યાસમાં પણ જોડ્યા. આથી અહીં જે પ્રશંસા થઈ છે તે પેલા તોફાની બાળકની નહીં પરંતુ તેનું ઘડતર કરનાર સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રશંસા છે. આજનું સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું સન્માન છે, પ્રગટ ગુરુહરિ પ. પૂ. મહંતસ્વામી મહારાજનું સન્માન છે. વળી તેમણે કહ્યું, “જો સ્વામિનારાયણ ભગવાને પોતાના ઉપદેશમાં અક્ષર અને પુરુષોત્તમ તત્ત્વની ચર્ચા ન કરી હોત તો શું ભાષ્ય લખાત? તેથી આ સન્માન ભગવાન સ્વામિનારાયણનું છે. જો પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે મને ભાષ્ય લખવાની આજ્ઞા જ ન આપી હોત તો હું શું ભાષ્ય લખત? તેથી આ સન્માન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજનું છે અને અત્યારે પણ બધું કાર્ય અમારા ગુરુ પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જ થાય છે. તેથી આ સન્માન પ. પૂ. મહંતસ્વામી મહારાજનું છે.” અંતમાં તેમણે કહ્યું, “સાધુ માટે તો સાધુતા જ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ છે. સદ્. મુક્તાનંદ સ્વામી પ્રમાણે ‘તન કી ઉપાધિ તજે સોઈ સાધુ’ આવી સાધુતાનો પુરસ્કાર આ જ જીવનમાં હું પ્રાપ્ત કરી શકું એવી આજે પ્રાર્થના કરું છું.”